ગિલોટીન
શિરચ્છેદ દ્વારા મૃત્યુદંડ આપવાનું એક ઉપકરણ / From Wikipedia, the free encyclopedia
ગિલોટીન એ શિરચ્છેદ દ્વારા મૃત્યુદંડ આપવાનું એક ઉપકરણ છે. તે યંત્રઘોડી સાથે જોડાયેલી અને ઉપર નીચે થઈ શકે તેવી એક ભારે બ્લેડનું બનેલું હોય છે જેમાં દોષિત વ્યક્તિના મસ્તકને યંત્રના ધરાતલ પર બ્લેડની બરાબર નીચે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ લટકતી બ્લેડને ખૂબ જ ઝડપથી છોડી દેતાં વ્યક્તિનું માથું ધડથી અલગ થઈ યંત્ર પાસે રાખેલી ટોપલીમાં પડે છે.
ફ્રાન્સ ગિલોટીનના ઉપયોગ માટે જાણીતું હતું. ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ક્રાંતિના સમર્થકોમાં તે બદલો લેનાર તરીકે જ્યારે ક્રાંતિના વિરોધીઓમાં શાસન વિરૂદ્ધ આતંકી પ્રવૃત્તિઓના પ્રતીક તરીકે ઓળખાતું હતું.[1] આ જ પ્રકારનું અન્ય એક ઉપકરણ યુરોપના દેશોમાં પણ વપરાતું હતું. વિચ્છેદ કરેલાં મસ્તકોનું પ્રદર્શન એ યુરોપીય સાર્વભૌમના શક્તિ પ્રદર્શનનો એક ભાગ રહ્યું છે.[2]
ગિલોટીનની શોધ મૃત્યુદંડને વધુ માનવીય બનાવવાની ભાવનાથી કરાઇ હતી કારણ કે ફ્રાંસમાં મૃત્યુદંડ માટેની આ પહેલાંની પદ્ધતિઓ ક્ષતિયુક્ત અને દર્દનાક સાબિત થઈ હતી. આ ઉપકરણની શોધ બાદ છેક ૧૯૮૧માં મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવી ત્યાં સુધી ગિલોટીન ફ્રાંસની ન્યાયિક પ્રણાલીનો ભાગ રહ્યું.[3]હમીદા દ્જાડુબી ગિલોટીન દ્વારા શિરચ્છેદ કરાયેલા અંતિમ વ્યક્તિ હતા. તેમને ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ ગિલોટીનનો ઉપયોગ કરી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. આ અંતિમ અવસર હતો જ્યારે કોઈ પશ્ચિમી દેશે કોઈ વ્યક્તિને શિરચ્છેદની સજા ફટકારી હોય.