કોનકોર્ડ
સુપરસોનિક પેસેન્જર એરલાઇનર / From Wikipedia, the free encyclopedia
એરોસ્પેશ્યલ - બીએસી કોનકોર્ડ ટર્બોજેટની શકિત ધરાવતું સુપરસોનિક પેસેન્જર એરલાઇનર, એક સુપરસોનિક ટ્રાન્સપોર્ટ(એસએસટી) છે. કોનકોર્ડ એ અંગ્રેજ અને ફ્રાન્સ સરકારની સંધિને પરિણામે એરોસ્પેશ્યલ અને બ્રિટીશ એરક્રાફટ કોર્પોરેશનના સંયુકત ઉત્પાદન પ્રયાસોની નિપજ છે. ઈ.સ. 1969માં પ્રથમ ઊડાન ભરનારા કોનકોર્ડે 1976માં નિયમિત સેવામાં પ્રવેશ કરીને લગાતાર 27 વર્ષ સુધી ઊડાન ચાલુ રાખી હતી.
અન્ય સ્થળોએ ઊડાન ભરવાની સાથે કોનકોર્ડ લંડન હિથ્રો (બ્રિટીશ એરવેઝ) અને પેરિસ-ચાર્લ્સ ડી ગૌલ એરપોર્ટ (એર ફ્રાંસ)થી ન્યૂ યોર્ક જેએફકે અને વોશિંગ્ટન ડ્યુલ્સની એટલાંટિક સમુદ્ર પરના હવાઇ માર્ગે વિક્રમજનક ઝડપે અન્ય એરલાઈનર્સની સરખામણીએ અડધા કરતાં પણ ઓછા સમયમાં અંતર કાપીને નિયમિત રીતે ઊડાન ભરતું રહ્યું. માત્ર 20 જ વિમાનોના નિર્માણ બાદ તેના ઉત્પાદનમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન દેખાવા લાગ્યું હતું. વધુમાં, એર ફ્રાંસ અને બ્રિટીશ એરવેઝને આ વિમાન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી આપવામાં આવતી હતી. 25 જુલાઇ 2000ના રોજ થયેલા આ પ્રકારના વિમાનના એકમાત્ર અકસ્માત, 11 સપ્ટેમ્બર 2001ના હુમલાઓની અસરને કારણે પેદા થયેલી આર્થિક પરિસ્થિતિ અને અન્ય પરિબળોને કારણે 24 ઓકટોબર 2003થી કોનકોર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. નિવૃત્તિ પહેલાંની છેલ્લી ઊડાન 26 નવેમ્બર 2003ના દિવસે ભરી હતી.[1] પહેલાં ઊપયોગમાં લેવામાં આવતું એર ફ્રાંસનું કોનકોર્ડ હાલમાં જીર્ણોદ્ધારની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે અને 2012માં સમર ઓલિમ્પિક્સ દરમિયાન ઊડાન ભરે તેવી આશા રાખવામાં આવે છે.[2]
ઘણાં લોકો દ્વારા હવાઇ ક્ષેત્રે આદર્શ માનવામાં આવતા કોનકોર્ડે હવાઇ જહાજ માટે અસાધારણ નામકરણ મેળવ્યું હતું.[3] યુનાઈટેડ કિંગડમમાં સામાન્ય વપરાશમાં આ પ્રકારના હવાઇ જહાજને કોનકોર્ડ તરીકે ઓળખવામાં આવતા હતા નહીં કે "ધ કોનકોર્ડ" કે "અ કોનકોર્ડ". (અર્થાત કોઈ પ્રકાર તરીકે નહીં પરંતુ વ્યકિતગત નામ તરીકે કોનકોર્ડે તેની આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી.[4][5]